Main Menu

ગુજરાત યુનિ.નાં લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિનીને કહ્યું, ‘મેરેજ પહેલા મઝા કરવી જોઇએ’

અમદાવાદ,

ગુજરાત યુનિવર્સિટીના સાયન્સના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની પીએચડીની વિદ્યાર્થિનીએ તેના ગાઈડ પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ કુલપતિને કરી છે. જેના પગલે હાલ તરત જ ડબલ્યુડીસી કમિટીએ પ્રોફેસરને ફરજિયાત રજા પર ઉતાર્યા છે ઉપરાંત કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ હોટેલ પાસેથી સીસીટીવી ફૂટેજ માગવાનો નિર્ણય કર્યો છે.

મને જમવાના ટેબલ પર બાજુમાં બેસવા કહ્યું, પરંતુ હું ટેબલમાં સામેની ખુરશી પર બેઠી

આ અંગે વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે 20 માર્ચે હોળીના દિવસે પ્રોફેસર ટિફિન લાવ્યા ન હોવાથી તેમણે મને બહાર સાથે જમવાનું કહ્યું. હું ટિફિન લાવી હતી. તેમ છતાં પણ તેમણે કહ્યું કે આજે બહાર જમવા જઇએ. એટલે અમે આશ્રમ રોડની કોહિનૂર પ્લાઝા હોટેલમાં જમવા ગયા. તેમણે મને જમવાના ટેબલ પર બાજુમાં બેસવા કહ્યું, પરંતુ હું ટેબલમાં સામેની ખુરશી પર બેઠી હતી. ત્યારબાદ તેમણે મને હોટેલના રૂમ જોવા કહ્યું હતું.આ ઉપરાંત તેમણે કહ્યું કે બે કલાક અહીં બેસીએ પરંતુ હું હોટેલમાંથી બહાર નીકળી ગઇ. ગાડીમાં તેમણે મારો હાથ પકડીને દબાવ્યો, ખભે હાથ રાખ્યો. તેમણે પૂછ્યું કે તારે કોઇ બોયફ્રેન્ડ છે? તેમણે મને કહ્યું કે મેરેજ પહેલા મજા કરવી જોઇએ જેવી વાતો કરી. મને વિભાગમાં આવવાનું કહ્યું અને મારી સામે જ હોટેલમાં જમવાનું બિલ ફાડી નાખ્યું. તેમણે મને ચીમકી પણ આપી કે આજે જે કંઇપણ બન્યું તે કોઇને કહેતી નહી બધુ ભૂલી જજે.

જો યુનિવર્સિટી આ મુદ્દે કોઇ કડક પગલા નહીં લે તો તે પોલીસમાં ફરિયાદ નોંધાવશે

વિદ્યાર્થિનીએ શનિવારે સાંજે કેમિસ્ટ્રી વિભાગના વડાને અને રવિવારે વીસીને ઇ-મેઈલ કરીને આખી ઘટનાની જાણ કરી હતી. ગઇકાલે એબીવીપીએ વીસી ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરતા તાત્કાલિક વુમન ડેવલપમેન્ટ સેલની મિટિંગ બોલાવાઇ હતી. જેમાં પ્રોફેસર અને વિદ્યાર્થિનીના નિવેદનો લેવાયા હતા. જેમાં પ્રોફેસરે પોતાના પર કરવામાં આવેલા તમામ આક્ષેપો નકાર્યા હતા. જેના પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે હોટેલના સીસીટીવી ફૂટેજ માટે પોલીસની મદદ લેશે. વિદ્યાર્થિનીએ ચિમકી આપી છે કે જો ગુજરાત યુનિવર્સિટી આ મુદ્દે કોઇ કડક પગલા નહીં લે તો તે પોલીસમાં ફરિયાદ નોંધાવશે.