Main Menu

વડાપ્રધાન પદની રેસમાં ન હોવાની પણ ગડકરીની સ્પષ્ટતા

વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકનો કોઈએ રાજકીય લાભ લેવો ન જોઈએ : ગડકરી

– એર સ્ટ્રાઈકને ચૂંટણી મુદ્દો બનાવતી પોતાની જ સરકાર પર નિશાન તાક્યું

નવી દિલ્હી,

કેન્દ્રિય મંત્રી નીતીન ગડકરીએ ફરી એક વખત આડકતરી રીતે કેન્દ્ર સરકારના વલણની ટીકા કરતા કહ્યું હતું કે કોઈ પણ પક્ષે વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકનો રાજકીય લાભ લેવો ન જોઈએ. તમામ પક્ષોએ તે મુદ્દે રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ.

વાહન પરિવહન અને જળ સંસાધન મંત્રી નીતીન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તે વડાપ્રધાન પદની રેસમાં નથી અને આરએસએસનું પણ એવું કોઈ જ આયોજન નથી. વડાપ્રધાન મોદી જ આગામી ચૂંટણી પછી પણ વડાપ્રધાન બનશે.

જોકે, તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરવાની તક ઝડપી લેતા કહ્યું હતું કે એર સ્ટ્રાઈક મુદ્દે તમામ પક્ષોએ રાજકારણ બંધ કરવું જોઈએ. બાલાકોટના આતંકવાદી કેમ્પો ઉપર વાયુસેનાએ જે એર સ્ટ્રાઈક કરી હતી તેનો યશ માત્રને માત્ર વાયુસેના જ લઈ શકે અને અન્ય કોઈ પણ રાજકીય પક્ષે તે મુદ્દે રાજકારણ રમવુ ન જોઈએ.

વિપક્ષોની ટીકા કરતા કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે પુરાવા માગવા જેવા મુદ્દા ઉઠાવીને વાયુસેનાની ક્ષમતા ઉપર કોઈ શંકા ન કરવી જોઈએ. એર સ્ટ્રાઈક જેવા સંવેદનશીલ મુદ્દે એક પણ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ અને તેને લોકસભાની ચૂંટણી સાથે જોડવાનું સદંતર બંધ કરવું હિતાવહ છે.