Main Menu

ધોરાજી લાયન્સ કલબ દ્વારા આયોજીત રાહતદરે ફટાકડા વિતરણનાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા મંત્રી જયેશ રાદડિયા

ફટાકડા વેંચી તેમાંથી ઉપજતી રકમ સેવાકીય કાર્યોમાં વાપરવામાં આવશે : કલબ પ્રમુખ વાગડીયા

ધોરાજી,

ધોરાજી લાયન્સ કલબ અનેકવિધ સેવાકીય કાર્યો કરી માનવતાની સોડમ ફેલાવવામાં અગ્રેસર છે.ધોરાજી લાયન્સ કલબ દ્વારા અનેક વખતે વિવિધ સમાજ જાગૃતિના પણ કાર્યક્રમો કરવામાં આવે છે અને સમાજને વિવિધ માહિતીઓથી માહિતગાર થાય છે ઉપરાંત અનેક વખતે બાળકો તથા યુવાનોમાં દેશ પ્રેમનો વિકાસ થાય તેના માટે પણ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.જ્યારે હાલ દિવાળી નજીક છે અને લગભગ જ્ગ્યાએ ફટાકડાની ખરીદી શરૂ થયેલ છે ત્યારે ધોરાજી લાયન્સ કલબ દ્વારા સામાન્ય પરિવારના બાળકો ફટાકડા ફોડી શકે તે માટે અત્યંત રાહત દરે ફટકડાનું વેંચાણ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જ્યારે ગતરોજ સાંજે લાયન્સ કલબ આયોજીત ફટાકડા વિતરણનાં સ્ટોલને કેબિનેટ મંત્રી રાદડિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને મંત્રી રાદડિયાએ પણ લાયન્સ કલબ દ્વારા થતી અનેક સેવાઓને બિરદાવી હતી.આ તકે લાયન્સ કલબ પ્રમુખ દલસુખભાઈ વાગડીયા સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે કારમી મોંઘવારીના યુગમાં મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના બાળકો તહેવારની ઉજવણીઓથી વંચિત ન રહે તે માટે ખાસ રાહતદરે ફટાકડાના વિતરણના સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે સાથોસાથ તેમાંથી થતી આવકની સંપૂર્ણ રકમનો ઉપયોગ માત્ર અને માત્ર સતકાર્યોમાં જ કરવામાં આવશે તેમ કહી સોનામાં સુગંધ ભેળવી હતી.આ ઉપરાંત તેઓએ જણાવેલ કે અમારા સ્ટોલમાં કુલ ૧૫૧ જેટલી ફટાકડાની વિવિધ વેરાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓએ તમામ શહેરીજનોને ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલ લેઉઆ પટેલ સમાજ ખાતે ઉપસ્થિત રહી રાહતદરે ફટાકડાની ખરીદીનો લાભ લેવાનું જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ પ્રમુખ દલસુખભાઈ વાગડીયા,ખજાનચી ધીરેન વૈષ્ણવ સહિત લાયન્સ ટીમે ખરેખરી જહેમત ઉઠાવેલ છે.






error: Content is protected !!